બાળવાર્તાઓ

(1). બાપા-કાગડો !
એક હતો વાણિયો. વાણિયાને છ-સાત વરસનો એક છોકરો. છોકરો બહુ કાલો ને પડપૂછિયો હતો. રોજ તે બાપની સાથે દુકાને જાય અને બાપને કાંઈનું કાંઈ પૂછ્યા જ કરે. વાણિયો એટલો બધો શાંત હતો કે દીકરાને રાજી કરવા માટે જે પૂછે તેનો જવાબ આપ્યા કરે. કોઈ દિવસ ઘેલિયાને નાખુશ કરે નહિ. કોઈ દિવસ પોતે ખિજાઈ ન જાય. હંમેશાં ઘેલિયાભાઈ કહે તેમ કરે.
એક દિવસ ઘેલિયો બાપની સાથે દુકાને આવ્યો અને લાડથી બાપનો ખોળો ખૂંદવા લાગ્યો ને જે તે પૂછવા લાગ્યો. એટલામાં, દુકાનની સામે એક ઝાડ હતું. તેના પર એક કાગડો આવીને બેઠો ને ‘કો-કો’ કરવા લાગ્યો. ઘેલિયાએ કાગડાને જોયો, એટલે તેની તરફ આંગળી કરીને બાપને કહ્યું : ‘બાપા-કાગડો !’
બાપા કહે : ‘હા, ભાઈ ! કાગડો’
ફરી વાર છોકરે બાપનો હાથ પકડી કહ્યું : ‘બાપા-કાગડો !’
બાપાએ એટલી જ ધીરજથી કહ્યું : ‘હા, ભાઈ ! કાગડો’ જવાબ આપીને બાપ દુકાનના કામમાં જરા રોકાયો, એટલે વળી છોકરે બાપનો ગોઠણ હલાવી કહ્યું : ‘જુઓ તો બાપા – કાગડો !’
બાપે ધંધામાંથી ધ્યાન કાઢી ઘણી શાંતિથી કહ્યું : ‘હા, બેટા ! કાગડો.’
છોકરાને આટલાથી સંતોષ થયો નહિ. બાપ પાછો પોતાના કામમાં રોકાયો, ત્યાં તેની પાઘડી ખેંચી વળી બોલ્યો : ‘બાપા – કાગડો !’
બાપે જરા પણ ચિડાયા વિના કહ્યું : ‘હા, ભાઈ ! કાગડો – હં.’
છોકરો તો વેને ચડ્યો ને વળી બોલ્યો : ‘જુઓ તો ખરા ! બાપા – કાગડો !’
બાપે ચોપડો લખતાં લખતાં છોકરા સામે જોઈને વળી કહ્યું : ‘હા હોં, બેટા ! કાગડો. એ કાગડો છે હં.’
થોડી વાર સુધી છોકરો કાગડા સામે જોઈ રહ્યો, અને વળી ઘૂરી આવી હોય તેમ બાપનો ખભો જોરથી હલાવીને બોલ્યો : ‘બાપા-કાગડો !’
બાપે જરા પણ ગુસ્સે થયા વિના કહ્યું : ‘હા, ભાઈ ! કાગડો’
આ રીતે છોકરો તો વારેવારે બાપને ‘બાપા – કાગડો !’ ‘બાપા-કાગડો !’ એમ ચીંધતો ગયો, ને બાપ ‘હા, ભાઈ, કાગડો’ ‘હા, ભાઈ, કાગડો !’ એમ બોલતો જ રહ્યો. છેવટે છોકરો થાક્યો અને ‘બાપા-કાગડો’ બોલતો બંધ પડ્યો. બાપ વાણિયો હતો, શાણો હતો. છોકરો જેમ જેમ ‘બાપા-કાગડો !’ ‘બાપા-કાગડો’ બોલતો ગયો તેમ તેમ તે પોતાના ચોપડામાં ‘બાપા-કાગડો !’ ‘હા, ભાઈ ! કાગડો’ એ પ્રમાણે લખતો ગયો. છોકરો થાકી ગયો ત્યારે બાપે ગણી જોયું તો બરાબર એકસો વાર ‘બાપા-કાગડો’ ‘હા, ભાઈ ! કાગડો’ લખાયેલું હતું. ભવિષ્યમાં કોઈ દિવસ આ ચોપડો કામ આવશે, એમ ધારી ડાહ્યા વાણિયાએ ચોપડાને સાચવીને જૂનાં દફતરોમાં મુકાવ્યો.
આ વાતને ઘણાં વર્ષો વીતી ગયાં. વાણિયો છેક ઘરડો થઈ ગયો હતો; ને પેલો ઘેલિયો ત્રીશ વર્ષનો જુવાન થઈ ગયો હતો. ઘેલિયો તો હવે મોટો શેઠ બની રહ્યો હતો અને વેપાર ધમધોકાર ચાલતો હતો. ‘ઘેલિયો’ સઘળે ‘ઘેલાશેઠ’ ‘ઘેલાશેઠ’ થઈ પડ્યો હતો ને તેનું બધેય બહુ માન હતું. પરંતુ ઘરડો વાણિયો દુ:ખી હતો. ઘેલાશેઠ તેને બહુ દુ:ખ આપતો હતો. બાપ બહુ કંટાળ્યો, એટલે ઘેલિયાને કેવા લાડથી ઉછેર્યો હતો એ તેને યાદ આપવાનો તેણે વિચાર કર્યો. એક દિવસ ઘરડો વાણિયો લાકડીને ટેકે ટેકે દુકાને ગયો અને ઘેલાશેઠની ગાદીએ ચડીને બેઠો. બાપને જોઈને દીકરો ચિડાયો ને મનમાં બબડ્યો : ‘આ ડોસો વળી અહીં ક્યાં આવ્યો ? નકામો ટકટકાટ કરશે અને જીવ ખાશે !’
થોડી વારમાં ડોસાએ એક કાગડો જોઈ ટાઢે પેટે કહ્યું : ‘ભાઈ-કાગડો !’
ઘેલશા તો ડોસાના પ્રશ્નથી જ વિચારમાં પડ્યા અને ચિડાઈને બોલ્યા : ‘હા, બાપા ! કાગડો.’
ડોસાએ વળી કહ્યું : ‘ભાઈ-કાગડો’
ઘેલશાએ જરા વધારે ચિડાઈને અને કાંઈક તિરસ્કારથી જવાબ વાળ્યો : ‘હા, બાપા ! કાગડો.’
ડોસાએ જાણ્યું કે દીકરો ચિડાય છે. પરંતુ તે દીકરાની આંખ ઉઘાડવા જ આવ્યો હતો, તેથી પૂરેપૂરી શાંતિ રાખી ફરી બોલ્યો : ‘ભાઈ-કાગડો !’
ભાઈ તો હવે ભભૂકી ઊઠયા : ‘હા, બાપા ! કાગડો. હા, એ કાગડો છે. એમાં વારે વારે ‘ભાઈ-કાગડો !’
‘ભાઈ-કાગડો !’ એમ શું બોલ્યા કરો છો ? મને મારું કામ કરવા દો ને !’ કહીને ઘેલાશા આડું મોં કરીને પોતાને કામે લાગ્યા.
ઘરડો વાણિયો કંઈ કાચો ન હતો. તેણે ઘેલાશાનો હાથ પકડી, કાગડા તરફ આંગળી કરી ઠંડે પેટે કહ્યું : ‘ભાઈ-કાગડો !’ હવે ઘેલાશાનો મિજાજ ગયો. તેણે વિચાર્યું : ‘આ ડોસો જો ને નકામો ‘ભાઈ-કાગડો’ લવ્યા કરે છે ! નથી કાંઈ કામ કે કાજ. નવરો પડ્યો એટલે નકામો લવારો !’
તેણે ડોસા સામે જોઈ કહ્યું : ‘બાપા ! ઘેર જાઓ. અહીં તમારું શું કામ છે ? દુકાને કામકાજમાં નાહક શા માટે ડબડબ કરો છો ?’
શાંતિથી જરા હસી, કાગડા સામી આંગળી કરી, ડોસો બોલ્યો : ‘પણ, ભાઈ-કાગડો !’
‘હા, બાપા ! કાગડો – કાગડો – કાગડો ! હવે તે કેટલી વાર કાગડો ? કાગડામાં તે શું છે તે ‘કાગડો’ ‘કાગડો’ કરો છો ?’
ડોસો ફરી વાર આંગળી કરી ‘ભાઈ-કાગડો !’ એમ બોલે તે પહેલાં ઘેલા શેઠે વાણોતરને કાગડો ઉડાડી મૂકવાનું કહ્યું. કાગડાને ઉડાડી મુકાવ્યો. પછી લખતો લખતો, પોતાના મનમાં બળતો મોટેથી બબડ્યો : ‘ખરેખર, “સાઠે બુદ્ધિ નાઠી” તે બરાબર સાચું છે. આ ડોસાની બુદ્ધિ હવે છેક ગઈ છે. હવે તો ડોસો મરે તો સારું !’
ડોસાની આંખે આંસુ આવ્યાં. તેણે જૂના વાણોતરને બોલાવીને પેલો જૂનો ચોપડો કઢાવી ઘેલાશાના હાથમાં ‘બાપા – કાગડો !’ ‘હા, ભાઈ ! કાગડો’ લખેલું પાનું મૂકયું. ઘેલાશાને તેના બાળપણની સઘળી હકીકત વાણોતરે કહી સંભળાવી. ઘેલાશા તરત બધું સમજી ગયો : દીકરાએ બાપાની માફી માગી અને તે દિવસથી બાપની ખરા દિલથી ચાકરી કરવા લાગ્યો.

(2).વાંદરાનું કાળજું – રતિલાલ સાં. નાયક

પંચતંત્રની વાતો’ ભાગ-1માંથી સાભાર.]
વાત છે વાંદરા અને મગરની મિત્રતાની.
વાંદરો રહેતો હતો નદીકાંઠે. ત્યાં મજાનો જાંબુડો ઊગ્યો હતો. એના ઉપર મીઠાં મધ જાંબુ બેસતાં. વાંદરાને એ ખાવાનો આનંદ મળતો. જાંબુડા પાસેની નદીમાં એક મગર આવ્યો. તે નદીમાંથી નીકળીને જાંબુડા નીચે બેઠો. એને એકલું-એકલું લાગ્યું. જાંબુડા ઉપર વાંદરો હતો. તેને પણ એકલું-એકલું લાગતું હતું. તે કોઈ વાત કરનારની શોધ કર્યા કરતો.
વાંદરાએ મગરને જોયો ને પૂછ્યું : ‘અરે ભાઈ, તમે અહીં ક્યાંથી ?’
મગર બોલ્યો : ‘ભાઈ, હું બહુ દૂરથી આવું છું. પહેલા દરિયામાં રહેતો, હવે નદીમાં રહું છું. ખોરાકની શોધમાં છું.’
વાંદરાએ કહ્યું : ‘ભાઈ, ભલે આવ્યા. આ જાંબુડા ઉપર ઢગલે-ઢગલા જાંબુ બેઠાં છે. હું તોડીને નીચે ફેંકું છું. મોજથી ખાઓ. ખાશો ને ખુશ થશો.’ વાંદરાએ જાંબુ તોડીતોડીને નીચે ફેંકવા માંડ્યાં. મગર એ ખાતો જ રહ્યો. પેટ ભરીને જાંબુ ખાધા પછી એ બોલ્યો, ‘વાંદરાભાઈ, આભાર. જાંબુ અમૃત જેવાં છે. તમે ખવરાવ્યાં ને મેં ખાધાં. મને તમે મિત્ર બનાવ્યો. ફરીથી આવું તો ફરી ખવરાવશો ને ?’
વાંદરો બોલ્યો : ‘રોજ આવજોને, ભાઈ ! હું એકલો છું તે મને તમારો સહવાસ મળશે.’ મગરે જાંબુ ખાધાં. વાંદરા સાથે વાતો કરી અને મોડેથી એ પાછો ફર્યો. કહેતો ગયો, ‘કાલે પાછો જાંબુ ખાવા આવીશ.’
બીજો દિવસ થયો. મગર ફરીથી આવ્યો. વાંદરાએ ઢગલો જાંબુ નીચે નાખ્યાં. મગર એ ખાતો ગયો ને એના સ્વાદનાં વખાણ કરતો ગયો. સાથેસાથે વાંદરાનાં વખાણ પણ કરતો ગયો. પછી તો રોજ મગર આવતો ગયો. વાંદરો તેને જાંબુ ખવરાવતો રહ્યો. વાંદરા અને મગર વચ્ચે લાંબી લાંબી વાતો પણ થયા કરી.
એક દિવસ વાંદરાએ કહ્યું, ‘ભાઈ, તમારા જેવો દોસ્ત મળ્યો એથી ઘણો આનંદ થયો છે. તમે ન મળ્યા હોત તો એકલા-એકલા દહાડા ગાળવા પડત. જગતમાં એકલા વખત વિતાવવા જેવું કોઈ દુ:ખ નથી, ખરું ને ?’
મગરે કહ્યું : ‘વાંદરાભાઈ, હું એકલો નથી રહેતો એટલે કેમ કહી શકું ? ઘેર પત્ની છે. નદીની પેલી તરફ બેટમાં અમે સાથે રહીએ છીએ.’
વાંદરો બોલ્યો : ‘તમે પણ ખરા છો, મગરભાઈ ! ઘેર પત્ની છે એ વાત જ ન કહી ! હું ભાભી માટે જાંબુ તો મોકલત ! આજે તો જાઓ ત્યારે સાથે જાંબુ લેતા જજો જ.’ વાંદરાએ મગરને જાંબુ ખવરાવ્યાં. પછી મગરી માટે જાંબુ સાથે મોકલાવ્યાં. મગરે મગરીને જાંબુ આપતાં કહ્યું :
‘મારા દોસ્તે તારા માટે આ ભેટ મોકલી છે.’ મગરીને પાકાં રસદાર જાંબુ ભાવ્યા6, જાંબુ દેખાવે પણ રંગદાર ને ખાધે સ્વાદદાર. મગરી ખાતી ગઈ ને બોલતી ગઈ, ‘સ્વર્ગનું જાણે અમૃતફળ ! કાલે પણ આવાં જ પાકાં જાંબુ મારા માટે લેતા આવજો !’
મગરે કહ્યું : ‘મારો મિત્ર જાંબુ જેવો જ દિલદાર છે. એ જરૂર આપશે ને હું ભૂલ્યા વિના લેતો આવીશ.’ મગર તો મગરી માટે રોજ પાકાં જાંબુ લાવતો રહ્યો. મગરીને એ ખૂબ ભાવવા લાગ્યાં.
એક દિવસ મગરીએ પૂછ્યું : ‘રોજ મારા માટે જાંબુ મોકલનાર તમારો આ મિત્ર કોણ છે ?’
મગર બોલ્યો : ‘એ એક વાંદરો છે. નદીના કાંઠે જાંબુડા ઉપર ઘર કરીને એ રહે છે.’
મગરી બોલી : ‘વાહ ! આ જાંબુ મોકલે છે એ વાંદરો છે ? તમે ભારે ઠગાયા છો. મગર અને વાંદરાને વળી ભાઈબંધી કેવી ? મગર તો વાંદરાને જુએ કે પકડીને ફાડી ખાય.’
મગરે કહ્યું : ‘હું એમ નથી કરી શકતો. આ વાંદરો બહુ ભલો છે. અમે બંને એકમેકના ભાઈબંધ બન્યા છીએ. અમને પરસ્પર ખૂબ પ્રેમ છે. એને મારા ઉપરાંત મારાં સગાં માટે પણ ખૂબ પ્રેમ છે. મારાં સૌ કોઈ માટે ભારે હેતપ્રીત છે. માટે તો એ તારે માટે પણ મહેનત કરી તોડી તોડી રસદાર જાંબુ મોકલે છે. વાંદરો મારો ભાઈબંધ ન હોત તો હું પણ શી રીતે જાંબુડા ઉપર ચઢત ને તારે માટે જાંબુ લાવી શકત ?’ મગરી એ દિવસ તો ખાસ આગળ ન બોલી ને જાંબુ ખાવામાં પડી ગઈ. મગરી મોજથી જાંબુ ખાતી રહી એ મગરને પણ ગમ્યું. મગર વિચારતો જ રહ્યો, ‘વાંદરો કેટલો ભલો છે ! એને આ જાંબુ તોડવામાં કેટલી બધી તકલીફ ઉઠાવવી પડે છે ! મારા માટેની ચાહના ખાતર એ કેટલું બધું દુ:ખ વેઠે છે ! મને કેવો ઉમદા મિત્ર મળ્યો છે !’ મગરે પ્રભુનો પાડ માન્યો.
મગરી ભારે ચાલાક હતી. એના મનમાં થયું, ‘વાંદરો જાંબુડા ઉપર રહે છે તો રોજ જાંબુ ખાતો હશે. એ ઋતુમાં રોજ મીઠાં જાંબુ ખાતો હશે તો એનું કાળજું કેવું મીઠું હશે ? એ વાંદરો જ જો મળી જાય તો એનું કાળજું ખાવાની કેવી મજા આવે ! આવો વિચાર આવતાંની સાથે એણે એક યુક્તિ વિચારી કાઢી. એણે એક વખત મગરને કહ્યું, ‘તમે જાંબુ આપનાર તમારા મિત્રને એક વખત ઘેર તેડી લાવો. મારે એમને મળવું છે.’
મગર બોલ્યો : ‘તું કેવી વિચિત્ર વાત કરે છે ! એ આપણે ઘેર કેવી રીતે આવે ? એ જમીન ઉપર રહેનાર પ્રાણી છે. એ પાણીમાં શી રીતે આવે ? પાણીમાં પેસતાં જ ડૂબી જાય.’
મગરીએ કહ્યું, ‘તમે એક વાર નોતરું તો આપો ! વાંદરા ચાલાક હોય છે. અહીં કેમ આવવું એનો ઉપાય એ શોધી કાઢશે.’
મગરે કહેવા ખાતર કહ્યું, ‘ભલે, એને હું અહીં આવવા કહી જોઈશ. અહીં આવવાનો ઉપાય પણ હું જ વિચારી કાઢીશ.’ પણ મગરે ખરેખર એમ ન કર્યું. એ વાંદરાને નોતરું આપવાનું ટાળતો રહ્યો. દિવસો સુધી વાંદરાને મગરે આ વાત જ ન કરી. મગરી રોજ પૂછતી, ‘તમારા મિત્રને નોતરું આપ્યું ? તેમણે આપણે ઘેર ક્યારે આવવા કહ્યું છે ?’ મગર કંઈ ને કંઈ બહાનું શોધી કાઢતો ને મગરીને મનાવી લેતો.
દિવસો જતાં વાંદરાનું કાળજું ખાવાની મગરીની ઈચ્છા જોર પકડતી ગઈ. મગરીએ એક યુક્તિ કરી. એણે માંદી હોવાનો ડોળ કર્યો. એ ઢીલીવીલી થઈ અને આંખમાં આંસુ લાવી કણસતી ગઈ. મગરને મગરી માટે ખૂબ લાગણી હતી. મગરીને જરાક ઢીલી જુએ તો એને કંઈનું કંઈ થઈ જતું. એ દુ:ખી થઈ મગરી પાસે ગયો અને બોલ્યો : ‘શું થયું છે ? તું કેમ હરતી-ફરતી અટકી ગઈ છે ? હું તારા માટે શું કરું ?’
મગરી બોલી, ‘હવે મને સમજાયું કે તમને મારા કરતાં તમારો મિત્ર વધારે વહાલો છે. તમને તમારો મિત્ર વધારે વહાલો હોય તો એની સાથે જ જઈને રહો. તમે તો ઈચ્છતા પણ હશો કે હું મરી જાઉં !’ મગર ભારે મુશ્કેલીમાં મુકાયો. શું કરવું એની એને સમજ ન પડી. વાંદરાનું કાળજું લાવવા જાય તો મિત્ર મરી જાય અને ન લાવે તો પત્ની મરી જાય. મગર રડમસ ચહેરે મગરીને કહેવા લાગ્યો, ‘વાંદરો મારો મિત્ર છે. મારે બીજો મિત્ર નથી. હું એનો જીવ શી રીતે લઉં ? એકમાત્ર મિત્ર ગુમાવીને હું પણ શી રીતે જીવીશ ?’
મગરીએ કહ્યું : ‘એ મિત્ર છે એથી શું થઈ ગયું ? હું પત્ની નથી ? એના વિના જીવી નહિ શકો એમ કેમ માનો છો ? હું તો તમને સાથ આપનાર છું જ. માની લો કે હું જ મરી ગઈ તો શી રીતે જીવી શકશો ? કોણ તમને ખવરાવશે ? કોણ તમારી સારસંભાળ લેશે ?’
મગરી રડવા લાગી. થોડી વારે શાંત પડીને કહેવા લાગી, ‘પતિ તરીકે મારી પ્રત્યેની તમારી કોઈ ફરજ ખરી કે નહિ ? તમે જીવતે જીવ મારી આવી ભૂંડી દશા થવા દેશો ? હું મરું એ જ તમને પસંદ છે ?’
મગરે મગરીને કહ્યું : ‘ખેર, હું વાંદરાને આપણા ઘેર આવવા નોતરું દેવા જાઉં છું.’
મગરી હરખાઈ.
મગર વાંદરા પાસે ઊપડ્યો.
વાંદરો મગરની રાહ જ જોઈ રહ્યો હતો. વાંદરાએ પૂછ્યું : ‘મિત્ર ! કેમ મોડું અવાયું ? ઘેર કોઈ સાજુંમાંદું છે ? તારી ચાલ આજે ઢીલી કેમ હતી ? તારા મોં ઉપર મને ઉત્સાહ કેમ નથી લાગતો ?’ વાંદરો ચાલાક હતો એટલે એને આવી શંકા પડી.
મગર નરમ અવાજે બોલ્યો : ‘મિત્ર ! મારે ને પત્નીને આજે લડવાનું થઈ ગયું. એ કહે છે કે તું રોજ મિત્રની મિજબાની માણે છે પણ મિત્રને આપણા ઘેર નોતરતો નથી. તું એમને આપણે ઘેર લાવ, નહિ તો હું મરી જઈશ. એટલે મિત્ર, તમને હું નોતરું દેવા આવ્યો છું. રસોઈ તૈયાર કરીને તમને આવકારવા એ રાહ જોઈ રહી છે.’
વાંદરો બોલ્યો : ‘મિત્ર ! ભાભીનું કહેવું તદ્દન બરાબર છે. ખાવું-ખવરાવવું એ લાગણીની નિશાની છે. પણ તમારું ઘર પાણીમાં છે. હું એમાં શી રીતે આવું ? તમે જ ભાભીને અહીં લઈ આવો. હું જ એમને અહીં મારા તરફથી જાંબુનું ભોજન કરાવીશ.’
મગરે કહ્યું : ‘મિત્ર ! પાણીનો ડર રાખવાની જરૂર નથી. મારી પીઠ ઉપર બેસી જાઓ. હું તરતો તરતો તમને આરામથી મારે ઘેર પહોંચાડી દઈશ.’ વાંદરો વિશ્વાસ મૂકી મગરની પીઠ ઉપર આવીને બેઠો.
નદીની મધ્યમાં આવતાં જ મગરે ડૂબકી મારવા તૈયારી કરી. વાંદરો એ જોઈ ડરી ગયો ને બોલ્યો, ‘ભાઈ ! ધીમે-ધીમે ચાલો. પાણીની ઝાપટોથી મારું શરીર પલળી ગયું છે. ડૂબકી ન ખાશો.’ આ સાંભળી મગરને ખાતરી થઈ કે ‘વાંદરો હવે મારા પૂરા કબજામાં છે; મારી પીઠ પરથી જરા પણ ખસી નહિ શકે. હવે હું એને મૂળ વાત જણાવી દઉં. અંતકાળે એ જેને યાદ કરવા માગતો હોય એને ભલે યાદ કરી લે.’
મગર બોલ્યો : ‘હું તો ડૂબકી ખાવાનો જ. હું તો તમારી ભાભીના કહેવાથી તમને મારી નાખવા માટે મારી સાથે લાવ્યો છું.’ વાંદરો મુશ્કેલીમાં મુકાઈ ગયો. પણ હતો ચપળ એટલે કંઈક વિચારી કાઢીને એ બોલ્યો :
‘કેમ ભાઈ, મને શા માટે મારવા ઈચ્છો છો ? મેં તમારું શું બગાડ્યું છે ?’
મગરે કહ્યું : ‘ભાઈ ! મારી પત્ની માંદી પડી છે. વાંદરાનું કાળજું ખાય તો જ એ બચી શકે તેમ છે. અહીં બીજું વાંદરું નથી. હું તમારું જ કાળજું એને ખવરાવી શકું તેમ છું.’
વાંદરો સડાક જ થઈ ગયો. પણ પછી ઉપાય વિચારી બોલ્યો :
‘આવી બિના હતી તો મગરભાઈ, મને પહેલેથી જ કહેવું હતું ને ! ભાભીનો જીવ બચાવવા હું ખુશીથી મિત્રને કાળજું આપી દેત. કાળજું તો રક્ષણ માટે કાયમ જાંબુડા ઉપર જ એક બખોલમાં રાખું છું. માંગ્યું હોત તો ત્યાંથી કાઢીને એ વખતે જ તમારા હાથમાં મૂકી દેત. તમે મને અહીં ફોગટ લઈ આવ્યા. જલદી પાછા ફરો. આપણે કાળજું સાથે લઈ લઈએ. વાર કરશો તો ભાભીની માંદગી વધી જશે.’
મગરે પડખું ફેરવ્યું ને જાંબુડા તરફની દિશામાં તરવા માંડ્યું. વાંદરાને મગર ઝડપથી નદીકાંઠે લઈ આવ્યો. વાંદરો ઝડપથી ઠેકીને જાંબુડા ઉપર પહોંચી ગયો. પછી ભારે મોટા હાસ્ય સાથે બોલ્યો : ‘મૂરખાજી ! હવે ઘેર સિધાવો. તમારી પત્નીને કહેજો કે જગતમાં તું સૌથી મૂરખ છે. ભલા, કોઈ પોતાનું કાળજું શરીરથી છૂટું પાડીને અલગ મૂકી શક્યું છે ?’
મગર શરમિંદો પડી ગયો ને બોલ્યો : ‘વાંદરાભાઈ ! હું તો મજાક કરતો હતો. તમે પાછા આવો.’
વાંદરાએ જાંબુડા ઉપરથી જ કહ્યું : ‘ભાગો મગરભાઈ ! ભૂખી વ્યક્તિ કયું પાપ નથી કરતી ? શાસ્ત્રમાં કહ્યું છે કે એક વાર દગો કરે એનો જે ફરીથી વિશ્વાસ કરી જાય છે એ પોતાનો જીવ ગુમાવીને જ રહે છે.’
(3). મગર અને શિયાળ – ગિજુભાઈ બધેકા
એક હતી નદી. એમાં એક મગર રહે. એક વાર ઉનાળામાં નદીનું પાણી સાવ સુકાઈ ગયું. ટીપુંય પાણી ન મળે. મગરનો જીવ જાઉં જાઉં થવા લાગ્યો. મગર હાલીયે ન શકે ને ચાલીયે ન શકે.
નદીથી દૂર એક ખાડો હતો. એમાં થોડુંક પાણી રહ્યું હતું. પણ મગર ત્યાં જાય શી રીતે ? ત્યાંથી એક કણબી જતો હતો. મગર કહે : ‘એ કણબીભાઈ, એ કણબીભાઈ ! મને ક્યાંક પાણીમાં લઈ જા ને ! ભગવાન તારું ભલું કરશે.’
કણબી કહે : ‘લઈ જાઉં તો ખરો, પણ પાણીમાં લઈ જાઉં ને તું મને પકડી લે, તો ?’
મગર કહે : ‘છટ્ છટ્, હું તને પકડું ? એવું બને જ કેમ ?’
પછી કણબી તો એને ઉપાડીને પેલા ખાડા પાસે લઈ ગયો ને પાણીમાં નાખ્યો. પાણીમાં પડતાંની સાથે જ મગર પાણી પીવા લાગ્યો. કણબી એ જોતો જોતો ઊભો રહ્યો, એટલામાં મગરે પાછા વળીને કણબીનો પગ પકડ્યો.
કણબી કહે : ‘તેં નહોતું કીધું કે તું મને ખાઈશ નહિ ? તો હવે મને કેમ પકડે છે ?’
મગર કહે : ‘જો, હું તો કંઈ તને પકડત નહિ. પણ મને ભૂખ એટલી બધી લાગી છે કે ખાધા વિના મરી જઈશ. એમાં ઊલટી તારી મહેનત નકામી જાય ને ? આઠ દિવસનો તો ઉપવાસી છું.’ કહી મગર કણબીને પાણીમાં ખેંચવા લાગ્યો.
કણબી કહે : ‘જરા ઊભો રહે. આપણે કોઈની પાસે ન્યાય કરાવીએ.’
મગરે મનમાં વિચાર્યું : ભલે ને જરા ગમ્મત થાય ! એણે તો કણબીનો પગ મજબૂત પકડી રાખ્યો ને બોલ્યો : ‘પૂછ – તું તારે ગમે તેને પૂછ !’
એક ઘરડી ગાય ત્યાંથી જતી હતી. કણબીએ એને બધી વાત કહીને પૂછ્યું : ‘તું જ કહે ને, બહેન ! આ મગર મને ખાય છે, એ તે કાંઈ ઠીક કહેવાય ?’
ગાય કહે : ‘મગરભાઈ ! તમ તમારે ખાઈ જાઓ કણબીને. એની જાત જ ખરાબ છે. દૂઝણાં હોઈએ ત્યાં સુધી રાખે, ને ઘરડાં થયાં કે કાઢી મૂકે, કેમ કણબા ! સાચી વાત ને ?’ એટલે મગર કણબીને જોરથી ખેંચવા લાગ્યો. કણબી કહે : ‘જરા વાર થોભ. બીજા કોઈને આપણે પૂછીએ.’
ત્યાં એક લૂલો ઘોડો ચરતો હતો. કણબીએ બધી વાત એને કહીને પૂછ્યું : ‘કહે ભાઈ ! આ કાંઈ સારું કહેવાય ?’
ઘોડો કહે : ‘મહેરબાન ! સારું નહિ ત્યારે શું ખરાબ ? મારી સામું તો જો ? મારા ધણીએ આટલાં વરસ મારી પાસે ચાકરી કરાવી ને હું લંગડો થયો એટલે મને કાઢી મૂક્યો ! માણસની જાત જ એવી છે ! મગરભાઈ, ખુશીથી ખાઈ જા એને.’
મગર તો પછી કણબીનો પગ વધારે જોરથી ખેંચવા લાગ્યો. કણબી કહે : ‘જરાક થોભી જા. હવે એક જ જણને પૂછી જોઈએ. પછી ભલે તું મને ખાજે.’
ત્યાંથી નીકળ્યું એક શિયાળ. કણબી કહે : ‘શિયાળભાઈ ! મહેરબાની કરીને જરા અમારો એક ન્યાય કરશો ?’
દૂરથી શિયાળે કહ્યું : ‘શું છે, ભાઈ ?’ કણબીએ સઘળી વાત કરી. શિયાળ એકદમ સમજી ગયું કે મગરનો વિચાર કણબીને ચટ કરી જવાનો છે. એટલે તે બોલ્યું : ‘હેં કણબી ! ત્યાં કોરી જગ્યાએ તું પડ્યો હતો ?’
મગર કહે : ‘ના રે ના ! ત્યાં તો હું પડ્યો હતો.’
શિયાળ કહે : ‘હં હં, મને બરાબર સમજાયું નહોતું. ઠીક, પછી શું થયું ?’
કણબીએ વાત આગળ ચલાવી. શિયાળ કહે : ‘શું કરું ? – મારી અક્કલ ચાલતી નથી; કાંઈ સમજાતું નથી. ફરીથી બરાબર કહે. પછી શું થયું ?’
મગર જરા ચિડાઈને બોલ્યો : ‘જો, હું કહું છું. આ જો, હું ત્યાં પડ્યો હતો.’
શિયાળ જરા માથું ખંજવાળતું વળી બોલ્યું : ‘ક્યાં ? કેવી રીતે ?’
મગર તો વાત કહેવાના તોરમાં આવી ગઈ. એણે કણબીનો પગ છોડ્યો અને પોતે ક્યાં ને કેવી રીતે પડી હતી તે બતાવવા લાગી.
તરત શિયાળે કણબીને ઈશારો કર્યો કે, ભાગ ! કણબી ભાગ્યો ને શિયાળ પણ ભાગ્યું. પછી ભાગતાં ભાગતાં શિયાળ બોલ્યું : ‘મગરભાઈ, હવે સમજાયું કે તમે કેવી રીતે પડ્યા હતા તે ! કહો જોઈએ – પછી શું થયું ?’
મગર તરફડતો પડ્યો રહ્યો ને શિયાળ ઉપર ખૂબ દાંત પીસવા લાગ્યો.

(4). લુચ્ચાઈની હાર – કાલિદાસ પટેલ


સુંદરવનનો વતની કમુ કાગડો કમાલનો કાબેલ. ક્યાંકથીય સમાચાર લાવ્યો કે, બાજુના ગામ રામપુરમાં પશા પટેલ આખું ગામ ધૂમાડાબંધ જમાડે છે. કમુ તો ઉપડ્યો રામપુર પાસે. કાગદષ્ટિથી બધે જોઈ લીધું અને જ્યાં રસોડું હતું ત્યાં પુરીઓના ઢગલામાં ઝાપટ મારીને સુંદર મજાની પુરી ઝડપી લીધી અને એવો ઉડ્યો કે આવ જે સુંદરવન ઢૂકડું !
સુંદરવનના લીમડાની ડાળ ઉપર બેઠો બેઠો મજાથી પૂરી ખાતો હતો અને નીચેથી ગલબો શિયાળ નીકળ્યો. ગલબો આજે ભૂખ્યો થયો હતો અને ક્યાંયથી આજે જમવાનું મળ્યું ન હતું. તેના મગજમાં ઝબકારો થયો. પિતાશ્રીએ પંચતંત્રના તેમના પૂર્વજની ચાલાકીની વાર્તા સંભળાયેલી તે યાદ આવી ગઈ. ગલબા શિયાળે પ્રેમથી ઉંચે જોયું. કમુ કાગડાની સામે સ્મિત વેર્યું.
ગલબો : ‘કાગકૂળ શિરોમણિ કમુકુમારને સુપ્રભાતમ !’
કમુ ફાંગી આંખે નીચે જોયું. કાબેલ કમુને તરત જ સમજાઈ ગયું કે –
‘નમન નમન મેં ફેર હૈ, બહુત નમે નાદાન !’ છતાં પૂરીસહિત ચાંચ નમાવી નમસ્કાર સ્વીકાર્યા.
ગલબો : કમુભાઈ ! શું આપનું રૂપ છે ! આપ તો ખગ-ગણ શ્રેષ્ઠ છો. શું આપનો રંગ ! મીરાબાઈ એ પણ આપણા શ્યામ રંગની સ્તુતિ-પ્રશંસા કરેલી ને ? અને આપણી રૂપકડી ચાંચ ! કેવી મજબૂત ! મજાલ છે કોઈની કે આપના વિરુદ્ધ કંઈ પણ કહે ? માત્ર એક જ ચાંચ-પ્રહારમાં જમીનદોસ થઈ જાય ને ! અને આપણી કાગદષ્ટિના તો પંડિતો પણ વખાણ કરે છે ! વળી આપના આ રૂપકડા પગ પણ કેટલા મજબૂત છે ! એકવાર જો નહોરિયા ભર્યા હોય તો દુશ્મનને તેની નાની યાદ આવી જાય !
પણ….
આવા રૂપાળા આપ છો તો આપનો અવાજ તો કેવો સુરીલો હશે. વાંધો ન હોય તો જરા સંભળાવશો ?
કમુ કાગડાએ ફાંગી આંખ કરીને શિયાળ સામે જાણે તારા-મૈત્રક રચ્યું. ચાંચમાં રહેલી પુરીને પગ વડે લીમડાની ડાળ સાથે મજબૂત દબાવી અને વ્યંગમાં બોલ્યો :
‘ગલબાભાઈ, અમારા મૂર્ખ પૂર્વજની વાર્તા મેં સાંભળેલી છે. દુનિયા આખીને છેતરવાના ધંધા છોડી દો. જરા મહેનત કરો મહેનત ! ઉપરવાળા એ તમને દાંત આપ્યા ત્યારથી ચવાણું પણ તમારે માટે તૈયાર રાખ્યું જ છે માત્ર ઉદ્યમ કરવો પડે તે મેળવવા માટે. છેતરપીંડી નહીં ! ગલબો શું બોલે ? આંખો ઢાળી, નીચી મૂંડીએ પૂંછડી દબાવી ચાલ્યો ગયો.
(5). પક્ષીની કુરબાની – યશવંત કડીકર
એક નદી હતી. નદીકિનારે એક ઝાડ હતું. ઝાડ ખૂબ જ મોટું અને ઘટાદાર હતું. ઝાડ પર ઘણાં પક્ષીઓએ પોતાના માળા બનાવ્યા હતા. માળાઓમાં બધાં પક્ષીઓનાં નાનાં-નાનાં બચ્ચાં હતાં, જે હમણાં જ ઈંડામાંથી બહાર આવ્યાં હતાં. હજુ એમને પાંખો પણ ફૂટી ન હતી. આ નાનાં બચ્ચાં ચૂં-ચૂં કરતાં રહેતાં કે સૂતાં રહેતાં. ક્યારેક ટ્રક કે કારનો અવાજ સાંભળીને નાનાં બચ્ચાં ડરી જતાં ત્યારે એમની માતા એમને પોતાની પાંખો નીચે સંતાડી દેતી, જેથી એમને ડર ના લાગે અને મજાથી સૂતાં રહી શકે.
આ પક્ષી માતાઓને દાણા ચણવા માટે નદીકિનારે વસેલી કોલોનીઓના ઘરના છાપરા પર કે આંગણામાં જવું પડતું. હવે નદીના કિનારે રમતનાં મેદાનો તો રહ્યાં ન હતાં. ખેડૂતોની જમીન સરકારે ખરીદી લીધી હતી અને નદીકિનારા પરની જમીન પર કૉલોનીઓ બની ગઈ હતી. નદીનું પાણી તો લોકોએ એમાં કચરો ફેંકીને ગંદું કરી નાખ્યું હતું. એટલે પક્ષી માતા પોતાનાં બચ્ચાંને સુવડાવીને ખોરાકની શોધમાં ઊડતી હતી.
અચાનક એક દિવસ ક્યાંકથી એક સાપ આવી ગયો. તે ઝાડ પર ચઢીને પક્ષીઓનાં સૂતેલાં બચ્ચાંને ખાઈ ગયો. પક્ષીઓ બિચારાં ખૂબ રડ્યાં. બીજા દિવસે જ્યારે બધાં પક્ષીઓ દાણાની શોધમાં ગયાં હતાં ત્યારે સાપ બીજા એક પક્ષીનાં બચ્ચાં ખાઈ ગયો. સાપ રોજ આવું કરવા લાગ્યો. પક્ષીઓ રોતાં-કકળતાં રહેતાં. પક્ષીઓની રાણીએ કહ્યું, ‘જો આમ જ બનતું રહેશે તો આપણે આપણાં બચ્ચાં ગુમાવી બેસીશું. બચ્ચાંને ઊડવાનો સમય આવી રહ્યો છે.’
‘પણ આપણે શું કરી શકીએ અને સાપ આવે છે પણ ત્યારે જ્યારે આપણે બધાં દાણાની શોધમાં ગયાં હોઈએ છીએ.’ એક પક્ષીએ કહ્યું.
‘બહેનો, આમ બેસી રહેવાથી શું થશે. આપણે આપણાં બચ્ચાંને હોશિયાર બનાવવા પડશે.’ એક બીજા પક્ષીએ સૂચન કર્યું.
‘પણ બહેનો, બચ્ચાં હજુ નાનાં છે. ઊડવાનું પણ નથી શીખ્યાં.’ રાણી પક્ષીએ જવાબ આપ્યો. તે ઉદાસ બનીને બેસી ગઈ. બધાં ખૂબ જ ચિંતાતુર હતાં. સાપનો સામનો તો થાય એમ નથી અને ખોરાકની શોધમાં તો જવું પડે છે.
બીજે દિવસે સવારે બધાં પક્ષીઓ ખોરાકની શોધમાં ઊપડી ગયાં, પરંતુ સોનું નામનું પક્ષી ના ગયું. તે પોતાના માળામાં બેસીને કંઈક વિચારી રહ્યું હતું. એનાં બચ્ચાં તો સાપ સૌથી પહેલાં ખાઈ ગયો હતો. તે ચુપચાપ માળામાં બેસી રડી રહ્યું હતું, પરંતુ આજ એના મગજમાં કંઈક જુદું જ ચાલી રહ્યું હતું. થોડી વાર પછી સાપ ઝાડ પર ચઢવા લાગ્યો. સોનું એને જોઈને પોતાના માળામાંથી નીકળી અને સૌથી નીચી ડાળી પર બેસીને એણે ‘ચી-ચી’ કરવા માંડ્યું. સાપ એ ડાળી પર આવી ગયો. સોનું એના પર આગળ સરકી ગઈ. સરકતાં સરકતાં સોનું ડાળીના કિનારા પર શાંત બેસી ગઈ. સાપે જેવું એને ખાવા માટે મોં ખોલ્યું, સોનું નદીમાં કૂદી પડી. સાપ પણ પોતાની જાતને સાચવી ના શક્યો અને નદીમાં જઈ પડ્યો. બન્ને નદીના ઝડપી પ્રવાહમાં વહી ગયાં.
આ રીતે સોનુંએ પોતાનો જીવ આપીને પોતાના સાથી પક્ષીઓનાં બચ્ચાંને બચાવી લીધાં.
.
(6).પારધીનું હૃદયપરિવર્તન – મુંજાલ સોની
દૂરના એક જંગલમાં એક પારધી રહેતો હતો. પ્રાણીઓનો શિકાર કરીને એ પોતાનું અને પોતાના બાળકોનું પેટ ભરતો. એક દિવસ પારધી શિકારની શોધમાં થોડો દૂર નીકળી ગયો અને રાત પડી ગઈ. આજે શિકારના તેના પ્રયાસ સફળ થયા નહોતા. ચપળ પ્રાણીઓ તેને થાપ આપી દેતા હતા. એ આમતેમ ભટકતો હતો ત્યાં તળાવના કિનારે એક સુંદર હરણ પર તેની નજર પડી. વાહ ! આ તો બહુ ફક્ક્ડ શિકાર છે. એ તરત ઝાડ પાછળ છૂપાઈ છૂપાઈને આગળ વધવા લાગ્યો અને થોડીવારમાં તો હરણની સામે આવીને ઊભો રહ્યો. પોતાનું તીર-કામઠું તો તૈયાર જ રાખ્યું હતું.
હરણ તો ગભરાઈ ગયું. એને થયું કે બસ હવે એક ક્ષણમાં મોત આવી જશે. એને પોતાનું બચ્ચું યાદ આવ્યું. એણે કહ્યું : ‘શિકારી, જરા થોભી જા. મને મારા ઘરે જઈને બચ્ચાંને મળવાની છૂટ આપ. હું તેને મારા મિત્રને ત્યાં મૂકીને થોડીવારમાં પાછો આવીશ. પારધી હસવા લાગ્યો : ‘હું તને છોડું તો મોતના મુખમાં તું પાછો આવે ?’
‘હા, હું તને વચન આપું છું.’
પારધીને રસ પડ્યો. એણે કહ્યું : ‘ભલે, તું જઈને આવ હું અહીં જ તારી રાહ જોઉં છું.’
હરણ તો ઘરે પહોંચ્યું ને પોતાના બચ્ચાને ખૂબ વ્હાલ કર્યું. બધી વાત કહી એટલે બચ્ચાએ કહ્યું : ‘હવે પાછા જવાય નહીં.’ હરણે કહ્યું : ‘ના, મેં તેને વચન આપ્યું છે. પાછા તો જવું જ પડશે.’ બન્ને રડ્યા પછી હરણ પોતાના બચ્ચાને એક મિત્રને ત્યાં મૂકી આવ્યું અને તરત પારધી પાસે આવીને ઊભું. પારધીને તો વિશ્વાસ ન આવ્યો કે હરણ મરવા માટે પાછું આવ્યું. તેણે કહ્યું, ‘તું ગજબ છે. તારી પાસે તક હતી પણ તું પાછો આવ્યો.’
‘હા, તમે મારા પર વિશ્વાસ રાખીને મને છોડ્યો હતો અને મેં પાછા આવવાનું વચન આપ્યું હતું.’
હરણનું વચનપાલન જોઈને પારધીની તો આંખ ઉઘડી ગઈ. એણે કહ્યું : ‘હું તારાથી બહુ પ્રભાવિત થયો છું. જા, હું તને છોડી મૂકું છું.’
હરણે કહ્યું : ‘આજે મને છોડશો પણ કાલે ફરી બીજાને શિકાર બનાવશો.’
પારધીએ કહ્યું : ‘ના, હવેથી હું કોઈનો શિકાર કરીશ નહીં. હું શાકાહારી બની જઈશ અને બીજું કામ કરીશ.’
હરણ તો ખુશ થઈને ચાલ્યું ગયું.
(7). જંગલનો રાજા કોણ ? – સતીશ વ્યાસ
એક હતું જંગલ. જંગલમાં એક સિંહ રહે. એકવાર તેને વિચાર આવ્યો કે હું જંગલનો રાજા છું એની મને તો ખબર છે. પણ બીજાં પ્રાણીઓ જાણે છે કે નહીં ? મારે તેમને પૂછવું જોઈએ અને સિંહ ગુફાની બહાર નીકળ્યો. ગુફાની બહાર જ એક સસલું રમતું હતું. સિંહે તેને જોયું. સસલું તો ગભરાઈ ગયું.
સિંહે પૂછ્યું : ‘એય ધોળિયા, તને બીજું કાંઈ આવડે છે કે માત્ર દોડાદોડી કરતાં જ આવડે છે ?’
ગભરાયેલું સસલું કહે : ‘મને તો ઘણું આવડે છે.’
‘તો બોલ, જંગલનો રાજા કોણ છે ?’ સિંહે પૂછ્યું.
‘સાહેબ, જંગલના રાજા તો તમે જ છો.’ સસલાએ જવાબ આપ્યો.
સિંહ ખુશ થઈ ગયો. તેણે સસલાને માથે હાથ મૂક્યો ને આશીર્વાદ આપ્યો – ‘શાબાશ, આગળ જતાં તું મહાન બનીશ. જા, રમવા જા.’ ને ગભરાયેલું સસલું ત્યાંથી ભાગી છૂટ્યું.
આગળ જતાં સિંહને હરણું સામે મળ્યું. સિંહે તેને પકડ્યું. હરણું ગભરાઈ ગયું કે હવે સિંહ મારી નાખશે. તેના બદલે સિંહે પૂછ્યું : ‘એય કાળિયા, ક્યાં રખડે છે ? જંગલ તારા બાપનું છે ?’
‘ના સાહેબ’ ગભરાયેલું હરણું બોલ્યું.
‘તો કોના બાપનું છે ? ખબર છે ? જંગલનો રાજા કોણ છે ?’ સિંહે પૂછ્યું.
‘જંગલનો રાજા….’ હરણું વિચારમાં પડ્યું. તરત તેને આઈડિયા આવ્યો, ‘જંગલના રાજા તો તમે જ છો સાહેબ.’
સિંહ ખુશ થઈ ગયો. ‘શાબાશ, તું મહાન બનીશ.’ કહી સિંહે તેને આશીર્વાદ આપ્યા ને છોડી મૂક્યું.

આમ સિંહે જિરાફ, બિલાડી, વાનર બધાને પૂછી જોયું. બધાએ તેને જ જંગલનો રાજા કહ્યો. સિંહે બધાને આશીર્વાદ આપ્યા. આગળ જતાં રસ્તામાં હાથી મળ્યો તે શાંતિથી ઝાડનાં પાંદડાં ખાતો ઊભો હતો.
‘એય જાડિયા, તારે આખો દિવસ ખાવા સિવાય કંઈ કામ ધંધો છે કે નહીં ?’ સિંહે પૂછ્યું.
હાથીએ કાંઈ જવાબ ના આપ્યો. શાંતિથી પાંદડાં ખાવાનું કામ ચાલુ રાખ્યું.
‘અરે તને કહું છું, સંભળાતું નથી ?’ સિંહે ગુસ્સાથી પૂછ્યું. ‘કાંઈ જનરલ નૉલેજ છે કે નહીં ?’ આ સાંભળી હાથીએ સિંહની સામે જોયું.
‘બોલ તો ? આ જંગલનો રાજા કોણ છે ?’ સિંહે પૂછ્યું.
સિંહનો સવાલ સાંભળીને હાથીને ગુસ્સો આવ્યો. તે કંઈ બોલ્યો નહીં, પણ સૂંઢથી પકડ્યો ને ઉંચકીને દૂર ફેંકી દીધો. સિંહ પછડાયો, તેને ઠીકઠીક વાગ્યું. ધૂળ ખંખેરતાં ઊભો થયો ને હાથીને કહ્યું : ‘નહોતું આવડતું તો ના પાડવી હતી. આમ કોઈને ફેંકી દેવાય ? તારામાં કોઈ જાતની સભ્યતા છે કે નહીં ?’
(એક જાણીતા કથાનકને આધારે.)
.
(8).શેરને માથે સવા શેર – સં. પ્રણવ કારિયા

ગામને પાદર પશા પટેલની લીલીછમ વાડી હતી; પણ એક સાલ વરસાદ બહુ ઓછો પડ્યો એટલે કૂવાનું પાણી સુકાઈ ગયું. પશા પટેલને એ વરસે નાણાં ધીરનાર નેમચંદભાઈ પાસેથી કર્જ લેવું પડ્યું. બીજે વરસ વરસાદ સારો થયો એટલે નેમચંદ મુદ્દલ અને વ્યાજની ગણતરી કરીને રકમ તુરત ભરપાઈ કરી દેવા પશા પટેલને તાકીદ – તકાદો કરવા લાગ્યો. પશા પટેલ આટલી મોટી રકમ તુરત ભરપાઈ કરી શકે તેમ નહોતા.
નેમચંદ વેપારી પશા પટેલની વાડીએ પૈસા વસૂલ કરવા આંટાફેરા કરવા લાગ્યો. નેમચંદ બુઢ્ઢો અને કદરૂપો તેમ જ હલકી મનોવૃત્તિ ધરાવતો હતો. નેમચંદ વેપારીએ એક દિવસ પશા પટેલ અને તેની દીકરી સવિતા – જે યુવાન હતી અને વાડીના ક્યારામાં પાણી ભરવાનું કામ કરતી હતી તેની હાજરીમાં કહી દીધું કે : ‘જુઓ પટેલ ! તમે મારાં નાણાં ન ચૂકવી શકો તો તમારી સવિતાને મારી સાથે પરણાવી દો ! તમારું બધું દેવું માફ !’ આ સાંભળી પશા પટેલ અને સવિતાના જીવને જાણે વીજળીનો આંચકો લાગ્યો !
બીજે દિવસે નેમચંદ વેપારી પંચાયતના પાંચ સભ્યોને લઈને વાડીએ આવી પહોંચ્યો. વાડી પાસેની સડક-રસ્તો સફેદ અને કાળા પાંચીકાઓ (નાના પથ્થર)થી ભરેલો હતો. નેમચંદ વેપારીએ સૌને બોલાવીને પ્રસ્તાવ રજૂ કર્યો : ‘હું આ કપડાંની ખાલી થેલીમાં એક કાળો પાંચીકો અને એક સફેદ પાંચીકો મૂકીશ; પછી સવિતાએ તેમાંથી એક પાંચીકો બહાર કાઢવાનો રહેશે. (1) જો સવિતા આ થેલીમાંથી કાળો પાંચીકો ઉપાડશે તો તેનાં લગ્ન મારી સાથે કરવા પડશે અને પશા પટેલનું દેવું માફ થઈ જશે. (2) જો સવિતા આ થેલીમાંથી સફેદ પાંચીકો બહાર કાઢશે તો તેણીને મારી સાથે લગ્ન કરવાની જરૂર રહેશે નહીં અને પશા પટેલનું દેવું માફ કરી દઈશ. (3) પરંતુ જો સવિતા થેલીમાંથી એક પણ પાંચીકો કાઢવાની ‘ના’ પાડશે તો પશા પટેલને જેલના સળિયા ગણવા પડશે.
આમ કહી નેમચંદ વેપારી સડક પર નીચે નમ્યો અને કોઈની નજર પડે નહીં તે રીતે બેઉ કાળા પાંચીકા થેલીમાં મૂકી દીધા ! સવિતા યુવાન અને ચાલાક છોકરી હતી. તેણીની નજરમાંથી નેમચંદની લુચ્ચાઈ છાની ન રહી. નેમચંદને બન્ને કાળા પાંચીકા થેલીમાં મૂકતાં તે જોઈ ગઈ ! સૌ પંચાયતના સભ્યો અને પશા પટેલની હાજરીમાં જ સવિતાને થેલીમાંથી એક જ પાંચીકો કાઢવાનું ફરમાન કર્યું. આ તો સવિતાનાં જીવન-મરણનો સવાલ હતો. પણ…. સવિતાની કુશાગ્ર બુદ્ધિએ તુરંત નિર્ણય લઈ લીધો અને થેલીમાંથી એક પાંચીકો કાઢી, મુઠ્ઠીમાં બંધ કરી વાડીની સડક પર જ્યાં ઘણા બધા પાંચીકા પડ્યા હતા તેમાં લપસી પડી અને થેલીમાંથી કાઢેલો પાંચીકો સડક પર દૂર-સુદૂર ફેંકી દીધો ! અને સવિતા તુરંત સ્વસ્થ ઊભી થઈ ગઈ – ખાલી હાથે !
આથી સૌએ થેલીમાં જોયું તો અંદર કાળો પાંચીકો પડ્યો હતો એટલે સવિતાએ થેલીમાંથી સફેદ પાંચીકો જ ઉપાડ્યો હતો એ આપોઆપ સાબિત થઈ ગયું ! બિચારા નેમચંદ વેપારી કોથળીમાં બંને કાળા પાંચીકા મૂકીને કપટી ચાલ-રમત રમ્યો, પણ ફાવી શક્યો નહીં અને સૌ પંચાયત સભ્યોની હાજરીમાં પોતાની અપ્રમાણિકતા-જૂઠાણું જાહેર કરવાની હિંમત પણ કરી શક્યો નહીં !
નેમચંદ વેપારીને પોતાનાં નાણાં અને સવિતાથી હાથ ધોવા પડ્યા ! સૌને જે અઘરા (સઘરા) અને અટપટા પ્રશ્નો લાગે તેનો પણ ઉકેલ હોય છે, જે અશક્ય લાગતું હતું તે સવિતાએ પોતાની કુશાગ્ર બુદ્ધિથી પશા પટેલના ફાયદામાં સાબિત કરી બતાવ્યું. કહેવત છે ને કે શેરને માથે સવાશેર હોય છે તે આનું નામ !
(9). અત્તરનાં મૂલ – વિનોદિની નીલકંઠ


એક હતો રાજા. તે સુગંધનો ભારે શોખીન. તેના મહેલમાં, ગામમાં અને આખા રાજ્યમાં સુગંધી ફૂલથી ભરપૂર બાગ-બગીચાનો પાર નહિ. રાજમહેલના અને રાજધાનીના નગરના તમામ ફુવારાઓમાં સુગંધભર્યું પાણી ઊડતું. રાજાના વસ્ત્રભંડારમાં સુગંધી પદાર્થની થેલીઓ એવી ચતુરાઈથી ગોઠવેલી હતી કે દરેક વસ્ત્ર સુગંધથી મહેકી ઊઠતું. રાજાના રસોડામાં પણ ચતુર રસોઈયાઓ નિત્ય નવીન વાનીઓમાંથી ભાત ભાતની સુગંધી નાંખી ખુશી કરતા. માથામાં સુવાસિત તેલ, ખુશબોદાર અત્તરોનું તો રાજમહેલમાં એક સંગ્રહસ્થાન જ હતું. સુગંધિત પુષ્પોનાં મોટાં મોટાં ઝાડ રાજાએ એવી રીતે ઉગાડ્યાં હતાં કે પવનની સાથે રાત-દિવસ સુવાસ રાજમહેલના દરેકદરેક ખંડમાં મહેક્યા કરે.
હવે આ સુગંધના શોખીન રાજાને એક વાર એવું બન્યું કે દરબાર ભરાયેલો છે, રાજા સિંહાસન ઉપર બેઠો છે, તેવામાં ત્યાં એક બૂઢો ફકીર આવ્યો. ફકીરના હાથમાં એક વિચિત્ર આકારની પેટી હતી. ફકીરે આવીને ન તો રાજાને નમન કર્યું કે ન તો સલામ કરી. જ્યારે પ્રધાનજીએ આ અવિનય તરફ ધ્યાન દોર્યું, અને રાજાને નમન કરવાનું સૂચવ્યું, ત્યારે તે બૂઢો ફકીર જરા હસ્યો ને બોલ્યો : ‘નમન તો માત્ર એક માલિકને જ કરું છું.’ પછી તે રાજા તરફ જોઈને બોલ્યો, ‘મારી પાસે અતિમૂલ્યવાન એવાં અત્તર છે – દરેકનો રંગ જુદો અને દરેકની સુગંધ જુદી છે. હું આજ સુધી દેશપરદેશ ફર્યો છું, પણ હજી સુધી એક પણ અત્તરની શીશી વેચી શક્યો નથી.’
‘તેનું કારણ ?’ નવાઈ પામી રાજાએ પૂછ્યું. ‘કારણ કે મારાં અત્તરની કોઈ કિંમત ચૂકવી શકતું નથી. તમે સુગંધના શોખીન છો, એમ સાંભળીને હું આજે તમારે આંગણે આવ્યો છું. મેં જોયું કે શહેરની બહાર તમે એક સુંદર નવો મહેલ બંધાવી રહ્યા છો. મારી પાસે એક એવું અત્તર છે, કે તેની એક શીશી તમારા ચાકડામાં ઢોળી નાંખશો તો તમારા મહેલની આખી ઈમારત હરહંમેશ સુગંધથી મહેક મહેક થશે.’
‘સુગંધી મહેલ !’ રાજા તો હર્ષથી ઘેલો બની ગયો ! તેણે અનેક રીતે સુગંધનો ઉપયોગ કર્યો હતો, પણ સુગંધી મહેલની તેને કલ્પના જ નહીં આવેલી. તેણે અધીરાઈથી ફકીરને પૂછ્યું : ‘બોલો, સાંઈ બાવા બોલો ! તમારા અત્તરની શી કિંમત છે ?’
પ્રધાનજી તથા ખજાનચી આ હકીકત સાંભળી વિમાસણમાં પડ્યા, કારણ કે આ ઘડીએ રાજા આખું રાજ્ય પણ વેચી મારે. એક અત્તરની શીશી ખરીદી લેશે એવી એમને બીક લાગી. ફકીર એકાગ્ર નજરે લાંબા વખત સુધી રાજાના ચહેરા સામે જોઈ રહ્યો, અને પછી ધીરા ગાઢા અવાજે તે બોલ્યો : ‘હે રાજા ! તારી કિંમતીમાં કિંમતી ચીજ તું મને આપે તો આ શીશી તને આપી દઉં. પણ મને લાગતું નથી કે તું આ અત્તરનું મૂલ ચૂકવી શકે.’
સર્વ દરબારીઓ આશ્ચર્યચકિત બની ગયા ! આ તે કેવી માગણી ? હવે રાજા શું કરશે, તે જાણવા સૌનાં મન તલપાપડ થઈ રહ્યાં. રાજાએ ઘણા લાંબા વખત સુધી વિચાર કરીને જવાબ દીધો, ‘સાંઈ, તમે હાલ મારા મહેલમાં માનવંતા મહેમાન તરીકે રહો. હું પૂરેપૂરો વિચાર કરીને તમને જવાબ દઈશ.’
‘ભલે, પણ યાદ રાખજે કે તું દગો દઈશ, તો આ અત્તરની સુગંધ ઊડી જશે અને તે સાદુ પાણી બની જશે. તારી સૌથી વહાલી કિંમતી ચીજના બદલામાં જ આ અત્તર મળશે.’ એમ કહી તે ડોસાને પેલી પેટીમાંથી એક શીશી કાઢી તેમાં નારંગી રંગનું અત્તર જણાતું હતું. શીશી રાજાની ટચલી આંગળીથી વધારે મોટી નહિ હોય. રાજા તો વિચારમાં ગરકાવ બની ગયો; અને પ્રધાનજીએ દરબાર વિખેરી નાખ્યો. રાજાને ખરું પૂછો તો ખબર જ નહોતી કે પોતાને સૌથી કિંમતી કઈ ચીજ છે ! આજ સુધી તેને આવો વિચાર કરવાની જરૂર પણ ક્યાં પડી હતી ? રાજાએ એટલું તો નક્કી કરી જ લીધું કે સૌથી કિંમતી ચીજ આપીને પણ અત્તર તો લેવું જ. સુગંધી મહેલમાં રહેવાની કેવી મઝા પડશે ! એવા મહેલમાં રહેવાને રાજાનું મન ઉત્સુક થઈ ગયું.
પણ એ પ્યારી કિંમતી વસ્તુ કઈ ? રાણી ? છોકરાં ? રાજ્ય ? ધનભરેલી તિજોરી ? રાજાએ વિચાર કરવા માંડ્યો. ‘રાણી ઘણી વહાલી હતી, પણ ખરેખર જ શું તે સૌથી કિંમતી ચીજ ગણાય ? રાણી ફકીરને આપી દેવી પડે તો ? તો દુ:ખ તો ખૂબ જ થાય પણ રાજ્ય ચલાવવામાં, રાજબાળકોના સહવાસમાં અને સુગંધી મહેલમાં રહેવાથી રાણીની ખોટ અસહ્ય તો ન જ લાગે.
‘ત્યારે…. બાળકો ? કેવા સુંદર બે બાળકો હતાં ! ગુલાબના ફૂલ જેવો બેટો ને જૂઈની કળી જેવી કુંવરી ! રાજાને ઘડીભર તો એમ જ થઈ ગયું, કે ખરેખર આ જ મારો કિંમતીમાં કિંમતી ખજાનો છે, તેમનાથી હું વિખૂટો ન જ પડી શકું ! જો સાંઈને તેમની ભેટ આપવી પડે, તો બાળકોનો વિજોગ ન ખમાય… પણ પછી વિચાર આવ્યો. ધારો કે ન કરે નારાયણ ને કોઈ દુર્ભાગી ઘડીએ કોઈ એક અકસ્માત અથવા રોગનો ભોગ થઈ મારાં બાળકો મરી જાય તો ? તો શું હું જીવી શકું ? દુ:ખ કરું, શોક કરું, પણ ગમગીનીમાં રાજ્ય તો ચલાવું જ ને ? અને હજી જુવાન છું તે ભગવાન બીજાં બાળકો આપશે, એવી આશા પણ અન્તરને ખૂણે તો ખરી જ ને ?’
‘ત્યારે રાજ્ય ? સાચું પૂછો તો રાજ્ય પ્રત્યે મને એવો રાગ નથી. કુંવર મોટો થાય એટલે બધી રાજ્ય-લગામ એને સોંપી દેવાને તો હું ખૂબ તત્પર છું. ધનથી ભરેલી તિજોરી તો તદ્દન ક્ષણિક વસ્તુ છે. હું એવો મૂર્ખ નથી કે તેને મારા જીવનની સૌથી વધારે કિંમતી ચીજ માની બેસું.’ આ પ્રમાણે વિચારની પરંપરામાં રાજાએ આખો દિવસ પસાર કર્યો. સંધ્યાકાળે તે મંદિરમાં ગયો અને મધરાત સુધી ત્યાં તેણે પ્રાર્થના કરી. ભગવાન પાસે માંગ્યું કે, ‘પ્રભુ, મારી સૌથી વહાલી કિંમતી ચીજ કઈ છે તે મને સમજાવો.’
પાછલી રાતે રાજા પોતાના શયનખંડમાં ગયો. સુગંધી તેલના દીવા બળતા હતા. સુખડનો પલંગ અને સુવાસભર્યા રૂવાળી તળાઈમાં સૂતાવેંત જ રાજાને ઊંઘ આવી ગઈ. ઊંઘમાં રાજાએ પાંચ સ્વપ્નો જોયાં. રાજાની રાણી જાણે મરી ગઈ છે. રાજા ડાઘુવેશે સ્મશાનેથી પાછો આવે છે. તે ઘણો ગમગીન છે, પણ સર્વસ્વ ગુમાવ્યા જેવો તેને હૈયે શોક નથી. બીજા સ્વપ્નમાં રાજબાળકો અદશ્ય થઈ ગયાં છે. રાજા ગાફેલ બની શોધ કરાવે છે ત્યાં રાજાની રાણી હાથમાં નવું જન્મેલું બાળક લઈને આવે છે. રાજા તે બાળકને રમાડવા મંડી પડે છે. ત્રીજા સ્વપ્નમાં રાજાએ જોયું કે પોતે રાજપાટ ગુમાવી બેઠો છે, પણ તેનો તો તેને જરાયે શોક નથી. ચોથા સ્વપ્નમાં રાજાએ જોયું કે રાજાની તિજોરી લૂંટાઈ ગઈ છે, પણ રાજા તો બેપરવાઈથી હસી રહ્યો છે.
પાંચમું અને છેલ્લું સ્વપ્ન બહુ વિચિત્ર આવ્યું. આકાશમાંથી જાણે એક લાંબો તેજવન્ત હાથ પૃથ્વી ઉપર લંબાઈ રહ્યો છે, અને તેની એક આંગળી બરાબર રાજાના નાક ઉપર અડકી રહી છે. આ સ્વપ્ન જોઈ રાજા ચમકી ઊઠ્યો. ખરેખર મારું નાક જ મારી સૌથી કિંમતી ચીજ છે એમ રાજાને લાગી આવ્યું; અને પછી તરત રાજાની આંખ ખૂલી ગઈ. જ્યારે રાજા જાગ્યો, ત્યારે સવાર પડી ગઈ હતી. પૂર્વ દિશામાંથી નવા ઊગેલા સૂર્યનાં કિરણો, રાજાના શયનગૃહની બારીની નકશીદાર જાળીમાં થઈને રાજાના પલંગ ઉપર આવતાં હતાં. તેમાનું એક કિરણ સીધું રાજાના નાક ઉપર તેજ નાખી રહ્યું હતું.
રાજાને ભાન થયું કે ખરેખર મને સુગંધનો આટલો બધો શોખ છે, અને તે આનંદ મારા નાક વડે જ હું ભોગવું છું. એટલે મારું નાક એ જ મારો સૌથી કિંમતી ખજાનો છે, પણ જો હું નાક કાપીને ફકીરને આપી દઉં, તો પછી દુનિયાનું સૌથી ખુશ્બોદાર અત્તર પણ મારે શા કામનું ? હું શા વડે તે સૂંઘું ? અને નહીં તો પણ રાજા કદી પોતાનું નાક કોઈને આપે ખરો ? માથું અપાય – નાક ન અપાય. આવો રાજાએ નિશ્ચય કર્યો.
બીજે દિવસે દરબાર ભરાયો. લોકોની કાંઈ ભીડ – કાંઈ ભીડ ! કારણકે રાજા કઈ ચીજ સૌથી કિંમતી માને છે, તે જાણવાનું સૌને મન હતું. દરબારમાં વખતસર પેલો સાંઈ આવીને ઊભો રહ્યો. સભામાં શાંતિ પથરાયા પછી રાજાએ બોલવા માંડ્યું, ત્યારે કીડી ચાલે તો પણ અવાજ થાય એવું શાન્ત વાતાવરણ બની ગયું હતું. રાજાએ ફકીરને કહ્યું : ‘સાંઈ બાવા, તમે સાચું જ કહ્યું હતું કે તમારા અત્તરનું મૂલ મારાથી નહીં ચૂકવાય. મારી સૌથી કિંમતી પ્યારી ચીજ તે મારું નાક છે. તે જો હું તમને આપી દઉં, તો મારું જીવતર ધૂળમાં રોળાય. તે કરતા તો મોત જ ભલું. માટે તમે તમારું અમૂલ્ય અત્તર લઈને બીજા કોઈ યોગ્ય ઘરાક પાસે જાવ.’
‘રંગ છે, શાબાશ, રાજા !’ ફકીર બોલ્યો. આજે મને ખરો માનવી જડ્યો. નાકની કિંમત તેં આંકી, તેવી કોઈએ હજી સુધી આંકી નથી – તેથી ખુશી થઈને હું તને આ અત્તરની અણમોલ શીશી વિનામૂલ્યે ભેટ આપું છું.
(10).મિયાંફુસકી – જીવરામ જોષી 
( દલાશેઠનો કૂવો)
દલાશેઠ, તભાભટ અને મિયાંફુસકી ચાલી નીકળ્યા. દલાશેઠ ઢીલાઢસ. મનમાં રીસ. ઠાકોરે શહેરમાં ખરીદી કરવા મોકલ્યા છે અને પૈસા સાચવવા મિયાંને આપ્યા છે. દલાશેઠ બળી ઊઠ્યા છે, પણ કરે શું ? અદેખા એવા જ હોય. બીજાનું બૂરું ચાહે. એવા દાવ ગોઠવે. એમાં ફાવે નહિ. ઊલટા પોતે ફસી પડે ત્યારે મનોમન બળવા માંડે છે. સાપને રીસ ચડે ત્યારે પોતાની ફેણ પછાડે છે. ગુસ્સો પણ સાપ જેવો જ છે. કંઈ ના બની શકે ત્યારે માણસ પોતે જ પોતાનો જીવ બાળે છે. પોતાના હોઠ કરડે છે.
મિયાંફુસકી અને તભાભટ તો મોજથી ચાલ્યા. દલાશેઠ ભાગ્યા. આગળ આગળ ચાલવા માંડ્યા.
મિયાંફુસકીને હસવું આવ્યું.
તભાભટ કહે : ચુપ રહો.
મિયાં કહે : કાં ? દલાશેઠનો રંગ તો જુઓ !
તભાભટ કહે : હારેલાની સામે કદી હસીએ નહિ અને કોઈને બળતો જોઈને રાજી થઈએ નહિ. એવું કરે તે હાલકો ગણાય.
ફુસકીમિયાં બોલ્યાં : અમે દલાશેઠ ઉપર નથી હસતા. અમને હસવું આવે છે એમના ખોટા સ્વભાવ ઉપર. છીંદરી બળે પણ વળ છોડે નહિ.
તભાભટ કહે : સ્વભાવ કોઈનો બદલાતો નથી. પણ પોતે સમજવું કે, પોતાનો આ સ્વભાવ ખોટો છે. તેની ઉપર દાબ રાખવો. ખોટો સ્વભાવ વધે નહિં તે જોવું. પણ આ દલાશેઠ તો લાત ઉપર લાત ખાય છે તોય સમજતા નથી.
તભાભટ અને મિયાંફુસકી આમ વાતો કરે છે ત્યાં તો દલાશેઠ ક્યાં ના ક્યાં પહોંચી ગયા. દલાશેઠ અદેખા તો છે જ, પણ લોભિયા ય છે. આગળ ગયા અને લોભ નડ્યો. ખરેખર ફસી ગયા. દલાશેઠને એમ કે ઝત ઝટ ચાલું અને વહેલો ઘેર પહોંચી જાઉં. એમ વિચારીને જોર જોરથી ચાલ્યા. વધારે ચાલવાથી શરીર વધારે ગરમ થાય. તરસ અને થાક વહેલાં આવીને ઊભાં રહે.
તરસ લાગી.
મારગમાં ન મળે કૂવો કે ન મળે નદી. એક ગામ વચમાં આવતું હતું. પણ તે દૂર હતું. ત્યાં પહોંચે ત્યારે પાણી પીવા મળે. ઝટ પહોંચાય તો વહેલું પાણી પીવા મળે. તે માટે દલાશેઠ વધુ ઝડપથી ચાલવા માંડ્યા. વધારે ઝડપ કરે એટલે તરસ લાગી. સૂરજદાદા પણ હવે વધારે તપવા માંડ્યા હતા. મોઢું માંડ્યું સુકાવા. જીભ માંડી કોરી થવા. દલાશેઠ ગભરાવા માંડ્યા, કે આ વગડામાં પાણી મળે એમ નથી. નજીકમાં કોઈ વાડી દેખાતી નથી. કોઈ માણસ પણ સામે મળતો નથી.
ત્યાં ટપ દઈને પરસેવાનું ટીપું નાકે થઈને હોઠ પર ટપકી પડ્યું. દલાશેઠે મીઠા મધ જેવું માનીને પરસેવાનું ટીપું જીભ વડે ચાટી લીધું. પરસેવો ખારો હોય. એ પરસેવાનું ખારું ટીપું પણ દલાશેઠને મીઠું લાગ્યું. વસ્તુની કશી કિંમત નથી. વસ્તુનો ઉપયોગ જ કીમતી છે. ત્રણ ત્રણ દિવસની ભૂખ હોય. એક દાણો ય ખાવા મળ્યો ન હોય ત્યારે કોઈ લાખ લાખ રૂપિયાના હીરા લાવીને આપે તો શા કામના ? લાખ રૂપિયાનો હીરો ખવાતો નથી. પણ એક રોટલાનો ટાઢો ટુકડો મળે તો તે એ હીરા કરતાં ય વધારે વહાલો લાગે. સોનું મોંઘુ છે. કારણકે તે થોડું મળે છે. સોનાની પેઠે લોઢું પણ ઓછું મળતું હોય તો લોઢાની કિંમત સોના કરતાં પણ વધારે મોંઘી હોત.
દલાશેઠ એક એક પગલું માંડે છે અને હાશકારો નાંખતા જાય છે. હે પ્રભુ, હે પ્રભુ બોલતા જાય છે. ભાવ એવા ભગવાન. સાચા ભાવથી ભગવાનને સંભારીએ તો જે માંગીએ તે મળી જાય. દુ:ખ પડે એટલે પ્રભુને સંભારે તો કશું મળે નહિ. દુ:ખના લીધે તમે પ્રભુને સંભારો છો. હૃદયના પ્રેમભાવથી નથી સંભારતા. અદેખા, લોભી, લાલચુ, મોજીલા, રંગીલા, ચોર, જૂઠા, કપટી, સ્વાર્થી, ઠગારા લોકોના મનમાં સાચો પ્રેમભાવ કદી આવતો નથી. એ ભલે ને પ્રભુ પ્રભુ બોલે પણ એમાં પ્રેમભાવ ઊતરે નહિ. દલાશેઠ તો અદેખા અને લોભિયા.
પણ આ જ પ્રભુએ જાણે કે, એમની ઉપર દયા કરી દીધી.
‘હાશ’ બોલીને દલાશેઠે પ્રભુનો આભાર માન્યો પણ તરત જ ઉદાસ બની ગયા.
મારગમાં એક કૂવો આવી ગયો. કૂવામાં ભરપૂર પાણી હતું. કૂવો જોતાં જ દલાશેઠના મનમાં બળ આવી ગયું. દોડતા ગયા અને કૂવાને કાંઠે પહોંચી ગયા. અંદર ડોકિયું કર્યું તો ઝલમલ, ઝલમલ પાણી ઝબકે છે.
‘હે પ્રભુ ! મોટી દયા કરી’ આમ બોલીને દલાશેઠે ખભા ઉપરથી ખેસ લઈને કુવાની કિનારી ઉપર મૂકી દીધો. પાઘડી ઉતારીને નીચે મૂકી. હવાની ઝાપટ વાગે અને પાઘડી કુવામાં જઈ પડે તો પંચાત થાય. વાણિયાના દીકરા. બધી વાતમાં ગાંડા પણ મતલબમાં ભારે ડાહ્યા. કુવાની કિનારી પરથી ખેસ પણ લઈ લીધો અને પાઘડીમાં દબાવી દીધો. દલાશેઠને ભારે આનંદ થયો. ઘડીભર તરસ પણ ભૂલી ગયા. ગંગાજળ જેવો પાણીનો કુવો મળી ગયો. દલાશેઠને મનમાં થયું કે, ધન્ય છે એ માનવીને કે ત્રણ ગાઉને છેડે આવો કુવો બંધાવ્યો છે ! ત્યાં તકતી જોઈ. કુવાની કિનારી પર તકતી હતી. કુવો બંધાવનારનું તેમાં નામ હતું. દલાશેઠે વાંચ્યું. કુવો બંધાવનારને લાખ લાખ વાર ધન્યવાદ આપ્યા. તકતી વાંચી લીધી એટલે જીભ તાળવે ચોંટી. તરસ સાંભરી. ઝટ પાણી પી લઉં એમ થયું. કુવામાં ડોકિયું કર્યું.
‘હાય હાય રે નસીબ !’ એમ બોલીને દલાશેઠે કપાળ પર ટાપલી મારી અને કુવાની કિનારી પર બેસી ગયા.
કુવો મળ્યો.
કુવામાં ગંગાજળ જેવું પાણી
પણ પાણી પીવું શી રીતે ?
પાણી ખેંચીને બહાર કાઢવાનું સાધન ના મળે.
પહેલાંના લોકોનો નિયમ હતો કે, બે ગાઉથી વધારે દૂર જવું હોય તો દોરી-લોટો સાથે લેતા જાય. કોઈ દોરી-લોટો લઈને જાય તો સમજવું કે તે પાંચ દશ ગાઉ દુર જવાનો છે. દોરી-લોટો પાસે ન હોય તો સમજવું કે તે એકાદ ગાઉ જવાનો હશે.
દલાશેઠે કુવામાં આંખ માંડી.
કોઈ રીતે કુવામાં ઊતરાય એવું નથી.
દલાશેઠ અત્યાર સુધી કુવો બંધાવનારને આશિષ આપતા હતા. હવે મનોમન તેને બેવકૂફ કહ્યો અને બોલ્યા : ‘કયા મૂરખાએ આવો કુવો બંધાવ્યો હશે ?’ ત્રણ ગાઉના છેડે અંદર ઊતરવાની સગવડ જ કરી નથી. કોઈ દોરી-લોટા વિનાનો આવે તો શી રીતે પાણી પીએ ? બુદ્ધિના બુઠાને આટલીય વાત સૂઝી નહિં હોય ? પોતાનું કામ બનતું હોય તો માણસ તેનાં વખાણ કરવા માંડે છે અને પોતાનો સ્વાર્થ પુરો ન થાય તો તેની નિંદા કરવા બેસે છે. એનું નામ માણસ.
કપાળ કુટીને દલાશેઠ કુવાને કાંઠે બેસી ગયા. તરસ ખરેખર લાગી છે. કુવામાં પાણી છે પણ કાઢવાનો કોઈ ઉપાય નથી. અધુરામાં પુરું કુવો પણ ઊંડો છે. દલાશેઠના દુ:ખનો પાર ન રહ્યો. હવે તો આગળ ચાલવાની હામ રહી નહિ. ત્યાં ભગવાને બીજી દયા કરી.
દયાળું છે.
કોઈ એક ભરવાડ આવતો દેખાયો. તેના હાથમાં પિત્તળના બોધરણા જેવું વાસણ હતું. જરા વધારે નજીક આવ્યો કે, તેના બીજા હાથમાં દોરડું દેખાયું. દલાશેઠને ભારે આનંદ થયો.
‘વાહ પ્રભુ વાહ ! તમે દયા કરી ખરી. પણ આવી પરીક્ષા શીદ લેતા હશો ?’ આજ મનોમન દલાશેઠ બોલ્યા. ભરવાડ વગડાનો વાસી. ઘેટાં બકરાં લઈને નીકળ્યો હશે. તે પાણી લેવા આ કૂવે આવી પહોંચ્યો.
દલાશેઠ એકદમ ઊભા થઈ ગયા. જાણે કે તરસની બધી પીડા ચાલી ગઈ છે. તે સાથે જ જાણે કે, ભરવાડ ઉપર અપાર હેત હોય એમ મોઢું મલકાવ્યું. હસીને બોલ્યા : વાહ મારા ભાઈ, વાહ ! તું ય ખરે ટાણે આવી પહોંચ્યો. લે ઝટ કર. વાસણ જરા માંજી નાખ. વેપારી છીએ. ચોખ્ખાઈ રાખીએ. પછી ભરી આપ પાણી….
ભરવાડ તે ભરવાડ.
વગડાનો વાસી.
જેવા સાથે રહીએ તેવા થઈએ. વગડામાં રહે. પથ્થર અને ઝાડવાંઓ સાથ. ભરવાડ બોલ્યો : એ… વાસણ માંજવાં હોય તો લો આ રહ્યું. માંજી લો અને ભરી લો હાથે.
દલાશેઠ સમજી ગયા કે, ભરવાડની જાત અજડ હોય. ક્યાંક ના કહી દેશે તો પાણી વિનાના રહીશું. માટે જેમ કહે તેમ કરવા દે. દલાશેઠ મોઢું મલકાવીને બોલ્યા : તો એમ કહેને મારા ભઈલા ! તું અને આપણે ક્યાં જુદા છીએ ? તમે વગડામાં રહો અને અમે ગામમાં રહીએ. ઘેટાનું ઊન થાય, ઘી થાય, તે આવીને તમે અમને જ વેચો છો ને ! એટલે તો આપણે વેપારીને અને ભરવાડને સાત પેઢીનો સંબંધ ગણાય. ‘લાવ તે, હું મારે હાથે પાણી ભરી લઉં.’
દલાશેઠે તો વાસણ લીધું. તેના ગળામાં દોરડું બાંધ્યું. દોરડું જરા જાડું અને મજબૂત હતું. તેથી ગાંઠ વાળતાં વાર લાગી. દોરડું બાંધ્યું. વાસણ લઈને કૂવામાં નાખવા જાય કે, સામેથી ફુસકી મિયાં અને તભાભટ આવતા દેખાયા. બકરાંના ટોળામાં સિંહનું બચ્ચું રહે એટલે બેં બેં કરતાં શીખે પણ કોઈ સિંહ સામે આવી જાય કે, એ પાછો સિંહની પેઠે પૂંછડી હલાવે. તેમ દલાશેઠ ભલા અને ભગવાનનાં ભક્ત જેવા બની ગયા હતા. પણ મિયાંફુસકીને જોયાં કે, બધી ભલાઈ હવા થઈ ગઈ. દલાશેઠને વિચાર આવ્યો કે, તરસ તો એ ફુસકીમિયાંને અને તભાભટને પણ મારા કરતાંય વધારે લાગી હશે. અહીં આવશે અને મોજથી પાણી પીશે. પણ એ આવે તે પહેલાં આ ભરવાડ ચાલ્યો જાય તો મઝા થાય. મિયાં પાણી વિનાના ટળવળે અને બંદા મોજથી બેસે. આમ વિચારીને પોતે ઝટ ઝટ વાસણ કૂવામાં નાખ્યું. ઝટ ઝટ પાણી ભરવા ગયા. ઝટ ઝટ દોરડું હલાવ્યું પણ ઉપાધિ થઈ પડી. પોતાને દોરડું બાંધતા આવડેલું નહિ. ગાળો પોચો પડી ગયો. દોરડું વધારે હલાવ્યું કે, વાસણ છુટી ગયું. ડબ… કરતું વાસણ કુવામાં ડુબી ગયું. ખાલી દોરડું દલાશેઠના હાથમાં રહી ગયું…..
ફસકેલા ચીભડા જેવું મોઢું બનાવીને દલાશેઠે ભરવાડ સામે જોયું. ભરવાડ બોલ્યો : પાણી કાઢવું હોય તો ઝટ કાઢી લો ને ! મારે ઝટ જવું છે.’
દલાશેઠમાં એટલી પણ હિંમત ન રહી કે ભરવાડને એમ કહે કે વાસણ ડૂબી ગયું. એ તો ઘડીક કુવામાં જુએ અને ઘડીક ભરવાડના મોઢા સામે જુએ. ભરવાડને નવાઈ લાગી કે, આ શેઠનું મોઢું આવું સુકાયેલી કેરી જેવું કેમ થઈ ગયું ? અને વારેઘડીએ કુવામાં જુએ છે અને મારી સામે જુએ છે !
ભરવાડ બોલ્યો : એમ બાઘાં શું મારો છો ? પીવું હોય તો ઝટ ખેંચી લ્યો. નહિ તો પાછો લાવો. એમ બોલી ભરવાડ ઊભો થયો. કૂવા પાસે ગયો. ‘શું જુઓ છો અંદર ?’ આમ કહીને ભરવાડે કૂવામાં ડોકિયું કર્યું તો દલાશેઠના હાથમાં દોરડું રહી ગયું છે અને એનો છેડો કૂવામાં લટકે છે.
ભરવાડની જાત.
રીસ ચડે તો વાઘ જેવા.
ભરવાડ જરા ધુંધવાઈને બોલ્યો : ‘મારું વાસણ ?’
દલાશેઠ વીલું મોઢું કરીને બોલ્યા : વાસણ છૂટી ગયું અને કુવામાં પડ્યું.
ભરવાડ રીસથી બોલ્યો : તો કાઢી આપો.
દલાશેઠ ભરે હેતભર્યા બોલથી બોલ્યા : મારા ભઈલા ! તું વગડાનો વાસી. તને કુવામાં ઊતરતાં આવડે. ઊતરી પડ ને કુવામાંથી વાસણ કાઢી લાવ.
ભરવાડ કહે : અજાણ્યા કુવામાં અમે ઊતરીએ નહિ. કુવામાં ઊતરાય એવું ય નથી.
દલાશેઠ કહે : ‘ભઈલા ! જરા પ્રયન્ત તો કર. જરૂર તું ઊતરી શકીશ. અને પળવારમાં વાસણ કાઢી લાવીશ.
ભરવાડ બોલ્યો : પાની કોણ જાણે કેટલુંય ઊંડું હશે.
દલાશેઠ બોલ્યા : ‘એમ બોલને મારા ભઈલા ! હમણાં એનો તાગ કાઢી આપું.’ આમ કહીને દલાશેઠે દોરડાને છેડે એક પથ્થર બાંધી દીધો. ધીરે ધીરે પથ્થર કૂવાના પાણીમાં ઊતાર્યો. તળિયે અટકી ગયો. હવે જેટલું દોરડું પલળ્યું હોય એટલો કુવો ઊંડો ગણાય.
દોરડું પાછું ખેંચી લીધું. દોરડું ભીનું થયું હતું. તે બતાવીને દલાશેઠ બોલ્યા : લે ભઈલા ! કુવો આટલો જ ઊંડો છે. માંડ ગળા સુધી પાણી હશે. હમણાં ઊતરી પડીશ અને ઊભો ઊભો વાસણ લઈને પાછા આવીશ. ભરવાડ કહે : ઊહું…. હું ના ઊતરું. કુવામાં ઉતરવાની કોઈ સગવડ નથી. મારું વાસણ ઝટ લાવી આપો. ના લાવી આપો તો વીસ રૂપિયા આપો. બે રૂપિયા ભાડાના. શહેરમાં વાસણ લેવા ગયો હતો તે બસનું બે રૂપિયા ભાડું થયેલું.
બાવીસ રૂપિયા થાય. એ કેમ અપાય ? પોતાના ગજવામાં તો પચાસ રૂપિયા રોકડા હતા પણ બાવીસ રૂપિયા આપી દેવા એ વાત કેમ બને ? બાવીસ રૂપિયા આપવા અને તરસ્યા પણ રહેવાનું ?
ભરવાડ કહે છે : ‘ઊંહું’ અને દલાશેઠ સમજાવે છે.
દલાશેઠ કહે : ભઈલા ! હું દોરડું પકડી રાખું તું દોરડું પકડીને કુવામાં ઊતર.
ભરવાડ કહે : ‘ઊંહું’
દલાશેથ કહે : ‘ઉપરથી તને એક રૂપિયો આપીશ.’
ભરવાડ કહે : ‘ઊંહું.’
ત્યાં મિયાંફુસકી અને તભાભટ આવી ગયા.
તભાભટ બોલ્યા : શી વાત છે દલાશેઠ ?
ત્યાં તો ભરવાડ બોલી ઉઠ્યો : હવે તમે જ સમજાવો આ શેઠને. બાવીસ રૂપિયા આલી દે. નહિ આલે તો પછી માથું ફોડી નાખીશ.
તભાભટ કહે : શાના રૂપિયા ભાઈ ?
ભરવાડે વાત કરી કે, પાણી ખેંચવા વાસણ અને દોરડું આપ્યું હતું. વાસણ કુવામાં નાખ્યું. કાં મારું વાસણ આપે અને કાં 22 રૂપિયા આપે.
મિયાંફુસકી ચુપ છે.
તભાભટે કુવામાં જોયું.
ભટજી કહે : અંદર ઉતરાય એવું નથી.
દલાશેઠ બોલ્યા : હું કહું છું કે, અમે દોરડું પકડી રાખીએ. દોરડું પકડીને તું કુવામાં ઉતર. વાસણ કાઢી લાવ. ઉપરથી હું એક રૂપિયો આપું છું.
ભરવાડ કહે : ‘ઊંહું, અજાણ્યા કુવામાં હું ઉતરું નહિ.’
ફુસકીમિયાં હવે બોલ્યા : તો દલાશેઠ જાતે ઉતરશે.
દલાશેઠ ચિડાઈને બોલ્યા : હા, હા, ઉતરીશું. અમારે કોઈની ગરજ નથી.
દલાશેઠને વિચાર આવ્યો કે, કુવામાં પાણી તો ખભા સુધી ઊંડું છે. હું ઊતરું અને કુવામાં ઉભો રહું અને પગ વડે વાસણ શોધી લઉં. એમાં કશી મોટી વાત નથી. આ ભરવાડને બાવીસ રૂપિયા આપવાના બચી જાય. અરે ! તેને એક રૂપિયો આપવાનો કહ્યો છે તે પણ બચી જાય. દલાશેઠને લોભ લાગ્યો. લોભીને લોભ લાગે તો તેને બમણી હિંમત થાય.
દલાશેઠ કહે : ‘ભટજી ! એક કામ કરો તો હું કુવામાં ઊતરું અને એક પળમાં વાસણ લઈ આવું.’
ભટજી કહે : શું ?
દલાશેઠ કહે : તમે અને આ ભરવાડ ભઈલો થઈને દોરડું પકડી રાખો. હું દોરડું પકડીને કુવમાં ઊતરું.
ભટજી કહે : ભલે.
એકવાર કુવામાં જોઈ લીધું. કુવામાં પગ ભરાવવાની પણ જગા નહોતી. પોતે એ રીતે ક્યારેય કુવામાં ઉતરેલા નહિ. દોરડું પકડીને ઉતરે અને હાથ બાથ સરકી જાય તો કુવામાં પટકાઈ પડે. એ બધી વાતનો વિચાર કરવો જોઈએ. આમ દલાશેઠે વિચાર કરી જોયો. દોરડું પકડીને કૂવામાં ઊતરવું એ ઠીક નહિ. બીજો ઉપાય છે. દોરડું પોતાની કેડે બાંધી દેવું. પછી કુવામાં ઉતરવું. હાથમાંથી દોરડું છૂટી જાય તોય વાંધો નહિ. આ ઉપાય બરાબર હતો. તે પ્રમાણે કુવામાં ઊતરવા દલાશેઠ તૈયાર થયા. પોતાની કમરમાં દોરડું બાંધી દીધું.
તભાભટ કહે : પણ મારાથી બરાબર પકડી નહિ શકાય. પણ હા, ફૂસકીમિયાં પકડે તો વાંધો ના આવે. ફુસકીમિયાં બોલી ઊઠ્યા : હો હો ! કોઈને મદદ કરવાની વાતમાં આપણે ના નથી કહેતા.
દોરડાનો બીજો છેડો બહાર કશાક સાથે બાંધી દે તો તો વાંધો નહિ પણ દોરડું બાંધી શકાય એવું ત્યાં કશું નહોતું. ન મળે કોઈ એવો મોટો પથ્થર કે ન મળે કોઈ ઝાડ. ફુસકીમિયાં અને ભરવાડ. દોરડું ખેંચી રાખે તો જ દલાશેઠ દોરડું પકડીને કૂવામાં ઊતરી શકે. ફુસકીમિયાંએ અને ભરવાડે દોરડું પકડ્યું. કૂવાની કિનારી સાથે પગ ભરાવીને બેસી ગયા. દોરડું ખેંચી રાખ્યું. દોરડું પકડીને દલાશેઠ કુવામાં ઊતરવા ગયા. કોઈ દિવસ આ રીતે કુવામાં ઊતરેલા નહિ. કોઈ કામ કરી નાખવાની વાત કહેવી એ સહેલું છે. પણ તે કામ કરવા બેસીએ તો અઘરું થઈ પડે. કુવામાં પગ લટકાવીને દલાશેઠ પાછા ઊભા.
ભટજી કહે : કાં ?
દલાશેઠ કહે : દોરડું પકડીને કુવામાં ઉતરતા મને નહિ ફાવે.
ફુસકીમિયાં બોલી ઊઠ્યા : તો આપી દો બાવીસ રૂપિયા અને વાત કરો પૂરી.
દલાશેઠ ચિડાઈ ગયા અને કહે : શાના આપીએ બાવીસ રૂપિયા અને રૂપિયા કંઈ મફત નથી આવતા.
ભરવાડ પણ બોલી ઊઠ્યો કે હવે ઝટ કરો. મારાં ઘેટાં, બકરાં ખોટી થાય છે. લાવો મારું વાસણ અથવા લાવો રૂપિયા બાવીસ.
દલાશેઠને નવો ઉપાય સૂઝયો.
વિચાર કર્યો કે, મારી કેડે દોરડું બાંધી દીધું છે. ફુસકીમિયાં અને ભરવાડ ધીરે ધીરે દોરડું નીચે સરકાવતા જાય તો હું નીચે ઊતરતો જાઉં. તે જ રીતે પાછો મને ઉપર ખેંચી લે તો કૂવામાં ઊતરવાની બહુ પંચાત કરવી ના પડે. દલાશેઠે ભરવાડને કહ્યું કે તું કસકસાવીને દોરડું પકડી રાખજે અને ધીરે ધીરે દોરડુ6 સરકાવજે.
ભરવાડ કહે : ઊંહુ…..! હું એવું ના કરું. લાવો રૂપિયા બાવીસ.
દલાશેઠ કહે : ભઈલા ! તને એક રૂપિયો ભેટ આપીશ.
ભરવાડ કહે : તો બરાબર.
ફુસકીમિયાં અને ભરવાડે દોરડું પકડી રાખ્યું. દલાશેઠ કૂવામાં લટક્યા. કેડમાં દોરડું બાંધ્યું હતું. ભરવાડ અને ફુસકીમિયાં દોરડું માંડ્યા સરકાવવા. ધીરે ધીરે દલાશેઠ કુવામાં ઊતરવા લાગ્યા. ભારે મજા પડી. જાણે કે, હવાઈ છત્રીમાં બેસીને આકાશમાંથી નીચે ઊતરી રહ્યા છે. ફુસકીમિયાંએ વિચાર કર્યો કે, આ લોભિયાને પાઠ ભણાવવો જોઈએ. બાવીસ રૂપિયા માટે કેડમાં દોરડું બાંધીને કૂવામાં ઉતર્યો છે.
ફુસકીમિયાંએ ભરવાડને કાનમાં કહ્યું : ભાઈબંધ, હું કહું તેમ કર તો તને બાવીસ રૂપિયાથી વધુ રૂપિયા અપાવું. ભરવાડ રાજી થઈ ગયો.
દલાશેઠ મનોમન રાજી થાય છે અને કૂવામાં તરી રહ્યા છે. લગભગ અરધે સુધી પહોંચી ગયા હશે. ત્યાં ફુસકીમિયાંએ બૂમ પાડી : ઓ.. દલાશેઠ !
દલાશેઠ મોજથી બોલ્યા : હો….! તમતમારે ધીમે ધીમે દોરડું સરકાવો. આપણે ઉતાવળ નથી.
મિયાં બોલ્યાં : તમારો સાડા ત્રણ મણ નો ભાર અમારે ખેંચી રાખવાનો છે. તમારે કશી મહેનત પડવાની નથી. એટલે તમને ઊતાવળ હોય જ નહિ પણ આ ભરવાડ થાક્યો છે. કહે છે, દોરડું મૂકી દઉં. દલાશેઠ ફફડી ગયા અને કહે : ‘ના ભાઈ ના. એવું ના કરતા. હવે છેક નીચે પહોંચી ગયો છું.’
મિયાં બોલ્યા : આ ભરવાડ તો દોરડું છોડવા તૈયાર થઈ ગયો છે. એ દોરડું છોડી દેશે કે મારા હાથમાં દોરડું નહિ રહે. મારા એકલાંથી તમારો ભાર ખેંચી નહિ રખાય.
ભરવાડ દોરડું છોડશે કે હું ય છોડી દઈશ. તમે ભડામ કરતા6 કૂવામાં પડવાની તૈયારી કરી રાખજો.
દલાશેઠ એકદમ ગભરાયા અને બૂમ પાડી : ના ભઈસાબ ના, ભરવાડને કહો કે હું એને બે રૂપિયા આપીશ.
ફુસકીમિયાં બોલ્યા : તો પણ ના કહે છે. અને દોરડું છોડી દેવા તૈયાર થયા છે. કુવામાં પડવાની તૈયારી કરજો. ભરવાડ દોરડું છોડે કે મારેય તરત છોડી દેવું જોઈએ. ના છોડું તો તમારા ભારથી હું પણ કુવામાં ખેંચાઈ પડું.
દલાશેઠે બુમ પાડી : ના ભઈ ના. કહો કે બે ના બદલે ત્રણ રૂપિયા આપીશ.
ભરવાડ બોલ્યો : મારા હાથમાં દોરડું રહેતું નથી. હું નહિ ખેંચું છોડી દઉં છું.
દલાશેઠ ગભરાયા બુમ પાડીને બોલ્યા : ‘મારા ભઈલા ! પાંચ રૂપિયા લે જે.’
દલાશેઠ કુવાની અધવચ લટકી રહ્યા છે. પાછા ચડી શકે એવી હિંમત નથી. દલાશેઠ ગભરાયા. ભરવાડ કહે કે, દોરડું મૂકી દઉં છું. મિયાં કહે : તો હું ય દોરડુ મુકી દઉં.
દલાશેઠ છેવટે દશ રૂપિયા આપવા તૈયાર થયા.
ભરવાડ કહે : દશ રૂપિયા માટે સો રૂપિયાનું બળ કોણ વાપરે ? હું તો છોડી દઉં છું.
દલાશેઠ કહે : ઓ ભઈલા ! દશના બાર લે જે.
ભરવાડ કહે : ના.
દલાશેઠ, એક એક રૂપિયા વધતા ગયા છેવટે પચીસ રૂપિયા આપવા તૈયાર થયા.
મિયાંફુસકી કહે : પણ આ ભરવાડ કહે છે કે રોકડા રૂપિયા પચીસ અને વાસણના બાવીસ મળી સુડતાલીસ રૂપિયા પુરા રોકડા આપો. પછીનો ભરોસો નહિ, ના આપો તો દોરડું છોડું છું.
દલાશેઠ રડમસ થઈને બોલ્યા : મારી પાઘડીની ધડમાં પચાસ રૂપિયા છે. તેમાંથી લઈને આપી દો. પાઘડીની ધડમાંથી નોટો નીકળી. સુડતાળીશ રૂપિયા ભરવાડને આપી દીધા. પછી દોરડું સરકાવ્યું. દલાશેઠ ઠેઠ કુવાના પાણીને અડકી ગયા. પાણીમાં પણ ઊતર્યા. ગળા સુધી પાણી થયું તોય કુવાનું તળિયું આવ્યું નહિ. તળિયું ઘણું ઊંડું હતું. દોરડાને છેડે પથ્થર લગાવ્યો હતો તે કુવાની ગોખમાં અટકી ગયો હતો. કુવો તો ઘણો ઊંડો હતો.
દલાશેઠ મુંઝાયા.
ગળા સુધી પાણી આવ્યું. પણ પગ તળિયે અડકતા નથી. વિચાર કર્યો કે, ભલે જરા ડુબકી મારું. દોરડું તો કેડે બાંધ્યું છે. આમ વિચારીને જરા વધારે ઊડે ઊતર્યા. પણ પગ તળિયે અડક્યા નહિ.
દલાશેઠ થાક્યા.
ત્યાં ભરવાડ બોલ્યો : આ તો પાતાળિયો કુવો છે. ચાર માથોડાં પાણી ઊંડું છે.
બાપ રે…. બોલીને દલાશેઠ કહે : પાછો મને ઉપર ખેંચી લો.
દલાશેઠને પાછા ઉપર ખેંચી લીધા.
સુડતાળીશ રૂપિયા ગયા અને વાસણ મળ્યું નહિ. કૂવામાં લટક્યા તે જુદું. ભારે ઉપાધી થઈ.
પાણીમાં પલળીને લથબથ થતાં દલાશેઠ બહાર નીકળ્યાં. ફુસકીમિયાંને હસવું આવી ગયું.
કપડાં નીચોવવાય રોકાયા નહિ અને ભાગ્યા.
ભટજી કહે : ઊભા રહો ! સાથે જઈએ.
પણ સાંભળે કોણ ?
દલાશેઠ ચિડાઈ ગયાને આગળ ભાગવા જ માંડ્યા.
ભરવાડ પણ રાજી થતો ચાલ્યો ગયો.
તભાભટ અને મિયાં પણ ચાલવા માંડ્યા. બિચારા દલાશેઠ કુવામાં લટક્યા અને પૈસા ગયા તે નફામાં.
લોભે લક્ષણ જાય માટે નકામો લોભ ના કરવો.

No comments:

Post a Comment